મચ્છર પુરાણ - પાર્ટ 2

About:

Dr. Bharatkumar Bhate is M.S. General Surgeon (Gold Medalist) by qualification with an experience of 30,000+ operations and is based at Rajkot, Gujarat. He is an avid reader and a passionate writer. In this blog, he shares his travel experiences and creative writings.

Connect on Facebook: https://www.facebook.com/DrBhateRajkot

મચ્છર પુરાણ - પાર્ટ 2:


આપણે કૃષ્ણને યાદ કરીએ એટલે રાધા યાદ આવે અને શંકરને યાદ કરીએ ત્યારે પાર્વતી યાદ આવે. તેવી જ રીતે મચ્છર ને યાદ કરીએ ત્યારે આપોઆપ મલેરિયાની યાદ આવે.

મલેરિયા ને સાદી ગુજરાતી ભાષામાં 'ટાઢીયો તાવ' કહે છે કારણ કે આ તાવ માં ઠંડી લાગીને ધ્રુજારી સાથે તાવ આવવો એ મુખ્ય લક્ષણ છે. મલેરિયાનો તાવ પ્લાઝમોડિયમ પ્રકારના જંતુથી થાય છે અને તેના પાંચ પ્રકાર પૈકી પ્લાઝમોડિયમ વાયવેક્સ અને પ્લાઝમોડિયમ ફેલસીફેરમ મુખ્ય છે. સ્ત્રી જાતિના 'એનોફિલિસ્' મચ્છર મલેરિયા ના દર્દીને ડંખ આપીને મલેરિયાના જંતુ પ્રથમ પોતે મેળવે છે અને ત્યારબાદ તંદુરસ્ત મનુષ્યના શરીરમાં ડંખ દ્વારા નાખે છે. આ રીતે મચ્છર મલેરિયાના જંતુના કેરિયર તરીકે કામ કરે છે. મચ્છરના ડંખ બાદ મલેરિયાના લક્ષણો જણાતા અને તાવ આવતા ૧૪-૧૫ દિવસ લાગે છે. ફેલસીપેરમ પ્રકારનો મલેરિયા મગજમાં ફેલાવાથી માણસ ગંભીર બને છે અને યોગ્ય સારવાર તાત્કાલિક ન મળવાથી મૃત્યુ પામે છે. તેથી તેને 'ઝેરી મલેરિયા' કહેવામાં આવે છે. વાયવેક્સ પ્રકારનો મલેરિયા તેટલો ગંભીર ન હોવાથી ત્રણ ચાર દિવસની સારવારમાં મટે છે. તેમ છતાં દુનિયામાં સૌથી વધારે મૃત્યુ વાઇવેક્સ પ્રકારના મલેરિયાથી થાય છે.

૨૦૨૧ ની સાલમાં દુનિયાની આશરે અડધો અડધ વસ્તી મચ્છરની છાયામાં આવેલ અને તે પૈકી ૨૪.૭૦ કરોડ લોકોને મલેરિયા થયેલ અને ૬,૧૯૦૦૦ માનવી મૃત્યુ પામેલ. ડબલ્યુ. એચ. ઓ. ના આ ઓફિશિયલ આંક કરતા હકીકતમાં ૧૨ થી ૧૫ લાખ મૃત્યુ થયાનો અંદાજ છે. આફ્રિકાના કોંગો, નાઈઝેરીયા અને ટાનઝાનિયા દેશમાં મલેરિયા નું પ્રમાણ વધારે છે અને મૃત્યુદર પણ મોટો છે.

ડબલ્યુ. એચ. ઓ. દ્વારા મલેરિયા ઈરેડીકેશન પ્રોગ્રામ શરૂ થયેલ અને શરૂઆતમાં ડીડીટી ના છટકાવથી મલેરિયા લગભગ કાબુમાં આવેલ. પરંતુ સમય જતા મલેરિયાના મચ્છર ડીડીટી દવાથી ટેવાઈ ગયા અને તેનો સામનો કરી શકે તેવા સક્ષમ બન્યા. તેથી ફરી મલેરિયા જગતભરમાં ફેલાઈ ગયેલ છે. હવે મલેરિયા નાબૂદ કરવો શક્ય ન હોવાથી મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ તરીકે ચાલુ છે.

મલેરિયા નું નિદાન લોહીની તપાસ કરવાથી થાય છે પરંતુ લોહીની તપાસમાં મલેરિયાના જંતુ જોવા ન મળે તો પણ મલેરિયા હોઈ શકે છે. મલેરિયાના નિદાન માટે છાતીનો એક્સરે કે પેશાબ નો રિપોર્ટ કરાવવાની જરૂર રહેતી નથી. તબીબી જગતમાં એવો રિવાજ છે કે જે તાવ મલેરિયાનો છે કે નહીં તે નક્કી થતું ન હોય તેવા દર્દીને મલેરિયા ની દવા લાંબુ વિચાર્યા વિના આપી દેવી. ૨૪ થી ૪૮ કલાકમાં તાવ જતો રહે તો મલેરિયા હતો તેવું માનીને ચાલવામાં આવે છે. આને થેરાપ્યુટીક ટેસ્ટ કહે છે.

ફેન્સીફેરમ પ્રકારના મલેરિયા ના રોગમાં કમરમાંથી પાણી (CSF) ખેંચીને તેની ચકાસણી કરીને નિદાન થાય છે.

મલેરિયા નો સાદો તાવ ક્લોરોક્વીન પ્રકારની દવાઓ થી મટાડી શકાય છે. જે દેશમાં મલેરિયા કાયમી જોવા મળે છે ત્યાં પ્રવાસ માટે જવા પહેલા અને પ્રવાસ માંથી પરત આવ્યા બાદ બે અઠવાડિયા સુધી અમુક દવા લેવાની ડોક્ટર સલાહ આપે છે.

યાદ રાખો, એકવાર મલેરિયા થયા બાદ ફરી થશે નહીં આ માન્યતા ખોટી છે. મલેરિયા થવાથી કોઈ રોગપ્રતિકારક શક્તિ મળતી નથી. મલેરિયા નું Mosquirix કે અન્ય કોઈપણ વેક્સિન ૭૭% જેટલું જ સંરક્ષણ આપે છે. ડબલ્યુ એચ ઓ દ્વારા માન્યતા પામેલ RTS,S/AS01 વેક્સિન હાલ આફ્રિકાના દેશોમાં અપાય છે કારણ ત્યાં ઝેરી મેલેરીયા થી મૃત્યુનું પ્રમાણ વધારે છે. આ વેક્સિન આફ્રિકા ખંડના ઘાણા, માલવી તથા કેન્યા દેશમાં ૯ લાખ બાળકોને આપવામાં આવેલ અને ૫૦% બાળકોને બચાવી શકેલ. તેમ છતાં મલેરિયા વારંવાર થઈ શકે છે આ વાત ધ્યાનમાં રાખીને મચ્છરથી બચવાના તમામ પ્રયત્ન કરવા હિતાવહ છે.

સૌરાષ્ટ્રમાં એક ડોક્ટર મલેરીયા ની સારવાર માટે નામાંકિત હતા અને યોગા નું યોગે તેમની અટક પણ 'મચ્છર' હતી. લોકો હસવામાં કહેતા કે એક મચ્છર બીમાર પાડે અને બીજા મચ્છર બીમારી મટાડે.