મચ્છર પુરાણ - પાર્ટ ૧

About:

Dr. Bharatkumar Bhate is M.S. General Surgeon (Gold Medalist) by qualification with an experience of 30,000+ operations and is based at Rajkot, Gujarat. He is an avid reader and a passionate writer. In this blog, he shares his travel experiences and creative writings.

Connect on Facebook: https://www.facebook.com/DrBhateRajkot

મચ્છર પુરાણ - પાર્ટ ૧:

પરણેલા પુરુષોએ જીવનમાં એકવાર પત્નીનો જન્મદિન કે લગ્નની વર્ષગાંઠ ભૂલવાની સજા અવશ્ય ભોગવેલ હશે. બાળકોનો જન્મદિન ઉજવવો એ કુટુંબમાં મોટો લહાવો હોય છે. નોકરીયાત વર્ગ માટે સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન શની-રવિવારના દિવસે ન આવતો હોય તો એક આનંદના સમાચાર હોય છે. આપણે વર્ષભરમાં આવતા ફાધર્સ ડે, મધર્સ ડે, ચિલ્ડ્રન્સ ડે, વુમન્સ ડે વગેરે દિવસોમાં એકબીજાને અભિનંદન આપીને ઉજવીએ છીએ. વેલેન્ટાઈન ડે એ યુવાનોનો ગુલાબના ફૂલ થી ઉજવાતો તહેવાર ગણાય છે. સિનિયર સિટીઝન્સ ડે એ વૃદ્ધોનો તહેવાર ગણાય છે. પતેતી, ઈદ, ક્રિસ્ટમસ વગેરે ધાર્મિક તહેવાર હોવા છતાં તેની રજા આપને માણીએ છીએ અને એકબીજાને અભિનંદન પાઠવીએ છીએ. દેશના નેતાઓના જન્મદિન અથવા મૃત્યુદિનને શિક્ષક દિન, બાલ દિન, વિજય દિન, શહીદ દિન વગેરે નામ આપી ઉજવવામાં આવે છે. આ લિસ્ટ પહેલેથી જ લાંબુ છે અને તેમાં વળી વડાપ્રધાન મોદી સાહેબે 'યોગા ડે' નો ઉમેરો કરેલ છે અને આપણે તેને ઉલ્લાસ પૂર્વક ઉજવીએ છીએ.

આવો જ એક દિવસ તારીખ ૨૦ ઓગસ્ટના મોસ્કિટો ડે એટલે કે 'મચ્છરદિન' તરીકે ૧૯૩૦થી જાહેર થયેલ છે. આજે આ મચ્છરદિન વિશે થોડું જાણવા જેવું લખવાનું મન થયેલ છે.
લાખો વર્ષ પહેલાં ડાયનોસોર્સ હયાત હતા ત્યારે પણ મચ્છર અસ્તિત્વ ધરાવતા હતા. આ વાતના પુરાવા રૂપે ડાયનોસોર્સના અશ્મિ સાથે મચ્છરના અશ્મિ પણ જોવા મળેલ છે. ડાયનોસોર્સ અને તેના જેવા અનેક પ્રાણીઓ આવ્યા અને ગયા પરંતુ મચ્છર આજે પણ દુનિયાના ખૂણે ખાચરે અબજો ની સંખ્યામા હયાત છે.

મચ્છર ને પંખ હોવાથી હવામાં ઉડે છે અને તેમ છતાં તે પક્ષી નથી પરંતુ કીટાણુ છે. ઝુલોજી શાસ્ત્ર મુજબ મચ્છર ઇન્સેક્ટા ક્લાસ અને ક્યુલીસીડ ફેમિલીના પ્રાણી (Class Insecta & Family Culicidae) ગણાય છે. આ ક્યુલીસીડ ફેમિલીમાં ૩૭૦૦ પ્રકારના કીડા ઉપર સંશોધન થયેલ છે અને તે પૈકી ૧૫૦૦ ઉપરાંત કીડા 'મચ્છર' જાતીના છે. માનવામાં ન આવે પણ અમેરિકા જેવા સુધરેલા અને સ્વચ્છ દેશમાં પણ ૩૦૦ ઉપરાંત જાતિના મચ્છર જોવા મળેલ છે.


જે રીતે મનુષ્યને ઠંડી લાગે છે તે રીતે મચ્છરને પણ લાગતી હશે કારણ ઠંડીની સિઝનમાં મચ્છર ખાસ જોવા મળતા નથી. પરંતુ એક વરસાદ પડ્યાબાદ તેઓના ઝુંડ ના ઝુંડ જોવા મળે છે. જ્યાં કાયમ બરફ રહેતો હોય તેવા દેશમાં મચ્છર જોવા મળતા નથી. વરસાદની સિઝનમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં માદા મચ્છર ઈંડા આપે છે. આ ઈંડા લારવા અને પ્યુપા સ્ટેજમાંથી પસાર થઈ થોડા દિવસમાં મચ્છરોનો નવો ફાલ અન્ય પ્રાણીઓને હેરાન કરવા જન્મ લે છે. જ્યાં સ્વચ્છતા ઓછી અને પાણીના ખાબોચીયા ચારે કોર હોય ત્યાં મચ્છરો વધારે ફેલાય છે. અને તેથી જ ભારત જેવા દેશમાં મચ્છરોનો કાયમી વસવાટ હોય છે.

મચ્છર ને આપણે કીડી મકોડા સામાન તુચ્છ પ્રાણી સમજીએ છીએ. પરંતુ જેમ સિંહે થી ન ડરવાવાળો હાથી એક કીડી કાનમાં જવાથી તરફડિયા મારે છે તેમ મચ્છરના એક ડંખ થી માણસ પણ પથારીમાં તરફડિયા મારે છે. ૧૯૯૬ માં આવેલ હિન્દી સિનેમા 'યશવંત' માં નાના પાટેકર એ સાચું જ કહેલ છે કે 'एक मच्छर साला आदमी को हिजड़ा बना देता है ।' મચ્છરના પૂર્વજોએ ભૂતકાળમાં સિકંદર, નેપોલિયન અને હિટલર જેવા મહાપ્રતાપી સેનાપતિઓ ના પણ લોહી પીધા છે. હિટલરના બંકર માં અસંખ્ય મચ્છર હતા અને તે સમયે ડીડીટી જેવી દિવાલ પર છાંટવાની મચ્છર મારવાની દવા શોધાયેલ ન હતી. લીમડાની ધુમાડી કરવાથી મચ્છર નાશ પામે છે આ હકીકતને હિન્દુસ્તાન બહાર કોઈ માનતું ન હતું. કહેવાય છે કે હિટલર એ આપઘાત ના કર્યો હોત તો તે ચોક્કસ મલેરિયાથી મૃત્યુ પામત. આ મચ્છરોનો વિજય ગણાત.

આફ્રિકાના જંગલમાં મચ્છરની એક જાતિ એવી છે કે તેના ડંખ થી શરીરમાં તીવ્ર ઝેર ફેલાય છે અને માણસ કલાકોમાં મૃત્યુને શરણ થાય છે.

લોહી પીવા માટે જાણીતા મચ્છરનો મુખ્ય ખોરાક જો કે ફૂલોનો રસ છે. અન્ય જીવોનું લોહી પીવું એ મચ્છરનો શોખ નથી પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની જરૂરીયાત છે. જાણીને નવાઈ લાગશે કે પુરુષ મચ્છર ક્યારેય કરડતો નથી કારણ લોહીની જરૂરિયાત ફક્ત માદા મચ્છર ને જ હોય છે. બીજી જાણવા જેવી વાત એમ છે કે જ્યાં સુધી પક્ષીનું લોહી પીવા મળતું હોય ત્યાં સુધી મચ્છર માણસને કરડતા નથી. માદા મચ્છર જ્યારે પુખ્ત વયે પહોંચે છે ત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને ખોરાકમાં પ્રોટીન લેવું પડે છે. મચ્છર માટે જરૂરી પ્રોટીન અમુક જીવના લોહીમાં જ ઉપલબ્ધ હોય છે. આ પ્રોટીન માંથી મચ્છરના ઈંડા તૈયાર થાય છે. માટે પક્ષી, માણસ યા બીજા કેટલાક પ્રાણીને કરડવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ બચતો નથી. મચ્છર માણસને કરડતા પહેલા તેની ચાંચમાં રહેલ લાળ માણસના ચામડી ઉપર થુંકે છે અને ત્યારબાદ માણસને કરડે છે. આ લાળ માં મલેરિયાના જંતુ હોય છે જે માણસના લોહીમાં જાય છે અને શરીરમાં ફેલાય છે. માણસ સિવાય મચ્છર ને સૌથી વધુ ઘોડા, કુતરા, ગાય, બકરી, ઊંટ જેવા પાલતુ પ્રાણીઓનું લોહી ભાવે છે. આ રીતે માદા મચ્છર ને પરાણે રક્તદાન કરીને મનુષ્ય પ્રાણી જીવ દયા નું ઉદાહરણ પૂરું પાડે છે. આ લોહીમાં રહેલ પ્રોટીન માંથી ફરી નવા મચ્છર માણસ નું લોહી પીવા પેદા થાય છે.

મચ્છર દ્વારા મલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઈલેરીયાસીસ, યલો ફિવર, નાઈલ વાઈરસ, જીકા વાયરસ, લીસ્માનીઆસીસ વગેરે રોગ ફેલાય છે અને તેથી દુનિયામાં અબજો ડોલરનું નુકસાન થાય છે અને દર વર્ષે ૧૫ થી ૨૦ લાખ લોકોનું મૃત્યુ થાય છે. તાજેતરમાં કચ્છમાં ગાયોમાં ફેલાયેલ લંપી વાયરસ નો રોગ પણ મચ્છરથી ફેલાયેલ અને સેકડો ઢોર મરી ગયેલ.

અલગ અલગ પ્રકારની બીમારી ફેલાવનાર મચ્છર પણ અલગ અલગ જાતિના હોય છે. મલેરિયાના મચ્છર એનોફિલીસ જાતિના હોય છે અને ડેન્ગ્યુના મચ્છર એન્ડી જાતિના હોય છે. મલેરિયાના મચ્છર રાત્રિના સમયે ઘરની અંદર કરડે છે જ્યારે ડેન્ગ્યુના મચ્છર દિવસના સમયે ઘરની અંદર કે બહાર કોઈપણ જગ્યાએ કરડે છે. મલેરિયાના મચ્છર પાણીના ખાબોચીયામાં અથવા ગંદા તળાવ માં વિકસે છે. ડેન્ગ્યુ ના મચ્છર કોઈપણ સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં વિકસે છે દાખલા તરીકે ફ્લાવરપોટ, જુના ટાયરના પોલણ, ન વપરાતી પાણીની ટાંકી વગેરે.

મચ્છર ને પોતાનું પેટ ભરવા અડધો ટીપું લોહી કાફી થઈ રહે છે. તેમ છતાં તે આપણને વારંવાર શું કામ કરડે છે? સંશોધનમાં જાણવા મળેલ છે કે આપણી શ્વાસ લેવાની ક્રિયા માંથી બહાર પડેલ કાર્બન ડાયોક્સાઇડ મચ્છરોને આકર્ષે છે અને મચ્છરને એક પ્રકારના નશાની અનુભૂતિ થાય છે. તેથી મચ્છર વારંવાર આપણા શરીર પાસે આવે છે.

મલરીયા રોગના લક્ષણોનું વર્ણન પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે પરંતુ મલેરિયા શું કારણથી થાય છે તેની કોઈને જાણ ન હતી. સને ૧૮૯૫ થી બે વર્ષ સુધી હૈદરાબાદમાં રહીને અભ્યાસ કર્યા બાદ બ્રિટિશ સંશોધક ડોક્ટર રૂનાલ્ડ રોસ એ જાહેર કર્યું કે મલેરિયા નો રોગ એનોફિલિસ પ્રકારના મચ્છર થકી થાય છે. આ જાહેરાત તેઓએ ૨૦ ઓગસ્ટ ૧૮૯૭ માં કરેલ અને આ સંશોધન માટે તેઓને નોબેલ પ્રાઈઝ એનાયત થયેલ. બ્રિટનની સરકારે એમને સરનો ઇલ્કાબ આપ્યો અને આ સંશોધનને બિરદાવવા ૧૯૩૦ થી ૨૦ ઓગસ્ટના દિનને મચ્છર દિન તરીકે જાહેર કર્યો.

રૂનાલ્ડ રોસ ને એક પ્રશ્ન મૂંઝવતો હતો કે મચ્છર ચૂપચાપ કરડવા ને બદલે માણસના કાન પાસે ગુંજારવ કરીને શું કામ કરડવા આવે છે?

કદાચ મચ્છર તેની ભાષામાં માણસને થેન્ક્યુ અથવા સોરી કહેતો હશે.

નાનપણમાં મને મચ્છર કરડવાથી મલેરિયા થયેલ ત્યારે મેં ભગવાન પાસે માંગેલું કે દુનિયામાંથી મચ્છર નાબૂદ થઈ જાય. આજે વિચાર આવે છે કે દુનિયામાં મચ્છર ના હોત તો શું થાત? આ વિષય ઉપર ફરી કોઈ વાર લખીશ. આજે અહીં જ વિરામ.


(....આગળ વાંચો ચેપ્ટર-૨....)